પાલિતાણાના વડાલ ખાતે એશિયાટિક લાયન કેર સેન્ટરનું થયું લોકાર્પણ

ભાવનગર, પાલિતાણાના વડાલ ખાતે આજે એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ કરાયું હતું જ્યાં વન્ય જીવોના સંરક્ષણ માટે હોસ્પિટલ, એબ્યુલન્સ, આધુનિક પાંજરા વગેરે જેવી સુવિધા ઉભી કરાશે. અતિ આધુનિક એવા આ વન્ય પ્રાણી સારવાર કેન્દ્ર ભારતમાં પ્રથમ હોવાનું જણાય છે.પાલિતાણા તાલુકાના વડાલ ખાતે ગુજરાત સરકારના વન, આદિજાતિ વિકાસ તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી દ્વારા વન્ય જીવોના સંરક્ષણ માટે અતિ આધુનિક એવા એશિયાટિક લાયન કેર સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ સેન્ટરમાં ફુલટાઇમ વેટરનીટી ડોક્ટર, લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર તેમજ એનિમલ કીપર હાજર રહેશે. ઉપરાંત આ કેન્દ્રમાં વન્ય પ્રાણીઓના બચાવ માટે ટ્રાંઝીલાઇઝિંગ ગન, લેબોરેટરી, એક્સ રે, ઓપરેશન થિયેટર, પોસ્ટમોર્ટમ રૂમ, આધુનિક પિંજરા વગેરે જેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત વનમંત્રીએ જણાવ્યું હતું કે, વન્યજીવોના રેસ્કયુ તેમજ સારવાર માટે આ સેન્ટર આશીર્વાદરૂપ સાબિત થશે. વધુમાં વન્ય જીવોના સંરક્ષણ માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૦૦ કરોડ તથા ગુજરાત સરકાર દ્વારા ૨૫૦ કરોડ ફાળવવામાં આવ્યા છે અને વન્યજીવોની તકેદારી માટે સરકાર હંમેશ જરૂરી પગલા લેવા કટિબધ્ધ છે અને તેથી જ એક સમયે માત્ર ૧૮ની સંખ્યા પહોંચી ગયેલી સિંહોની સંખ્યા આજ ૬૦૦ને પાર થઇ ચૂકી છે.પોતાની જીવનશૈલીને વન્ય પ્રાણીઓને અનુરૂપ ઢાળવા બદલ સૌરાષ્ટ્રવાસીઓનો મંત્રીએ આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સાસણ પર પર્યટકોનું ભારણ ન વધે તે માટે સાસણમાં શરૂ કરાયેલ નવા સફારી પાર્ક જેવો જ સફારી પાર્ક સિહોર ખાતે પણ શરુ કરવાની જાણકારી આપી હતી તેમજ આ કાર્યક્રમમાં વન્ય પ્રાણીઓ દ્વારા મારણ કરાયેલા પશુ માલિકોને વળતરરૂપે ચેક અર્પણ કરાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *